ગઈકાલનો સુખદ અનુભવ
કૌટુંબિક ફિલ્મો આપવા માટે જેમ હિન્દી ફિલ્મ નગરીમાં રાજશ્રી ફિલ્મ્સનું નામ મોખરે છે એમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં કોકોનટ મોશન પીકચર્સનું લઈ શકાય, નિર્માતા રશ્મિન મજીઠીયા ચાલ જીવી લઇએ, કહેવતલાલ પરિવાર એને હવે બુશર્ટ ટીશર્ટ, નખશિખ કૉમેડી જોનર ધરાવતી, સામાજિક સંદેશ આપતી કૌટુંબિક લાગણી વાળી અદ્ભુત ફિલ્મો આપનાર જાણીતું નામ.
ગઈકાલે અંધેરી પી.વી.આર માં મિત્ર સાથે બુશર્ટ ટીશર્ટ નાં પ્રીમિયરમાં હાજરી આપવાનું સદભાગ્ય સાંપડ્યું, ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં અનેક માનવંતા ધુરંધરો મળ્યા, જૂની યાદો, નવી વાતો થઈ, છેલ્લે ફિલ્મમાંથી નીકળ્યા બાદ દરેકના ચહેરે સ્મિત હતું એ જોઈ આનંદ થયો. કારણ ટેન્શન ભર્યા આજના વાતાવરણમાં આવી હલ્કી ફુલ્કી મસ્ત મજાની મૂવી બીજીવાર જોઈએ તોય જલ્સો પડી જાય.
કહેવાય છે જે જીવનમાં ન બને એ ફિલ્મો માં બને, એવું જ અહીં વાર્તામાં બને છે અશક્ય લાગતી એક નાનકડી ઘટના મોટા પડદે એટલી વિશાળ બની જાય છે કે આસપાસ બેઠેલા સૌ કોઇના હસવાના અવાજોમાં ફિલ્મ આગળ વધતી જાય છે. દિકરાના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા પિતા અને સિંગર બનવાના શાનદાર ભવિષ્યનાં સપના જોતા દિકરા વચ્ચે થતી રસાકસીમાં થાય છે એક ચમત્કાર અને પછી.... ઓડિયન્સમાં...પોપકોર્ન ખાતા કોલ્ડ્ડ્રીંક પીતા... હા..હા...હી..હી...હો..હો..કયા બાત હૈ...ગજબ...જોરદાર...જેવા અવાજ..ક્યાંક સીટીઓ પણ ખરી. અને હા પિતા પુત્ર નાં અમુક એવા દ્રશ્યો પણ ખરા જ્યાં આંખના ખૂણા ભીંજાય,ઘણાં પ્રેક્ષકોને રૂમાલ કાઢી આંખો લૂછતાં જોયા હતા.
પિતા અને પુત્ર વચ્ચેના સંબંધની વાતમાં જનરેશન ગેપ કોમન ફેક્ટર છે, જે હમેશા રહેવાનું, પણ આ ફિલ્મમાં "ભૂતકાળ વર્તમાનમાં જીવે અને વર્તમાન ભૂતકાળમાં પ્રવેશે" ત્યારે એકબીજાના મનમાં એકબીજા વિશે શું છે, એ સમજાય છે, સાથે દિકરાની કોલેજ ડાયરી ખુલ્લી પડે છે તો પપ્પાની ઓફીસ નોટબૂક જેમાંથી હાસ્યનાં ઘણાં દૃશ્યો નિર્માણ પામે છે.
કલાકારની તો ક્યાં વાત જ કરવી, બાપ દીકરા વચ્ચેની ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ જેવી છે આ ફિલ્મ, સિદ્ધાર્થ રાંદેરિયા એટલે ગુજરાતી રંગભૂમિના એન્સાઇકલોપીડિયા,એમનાં અભિનયની ઊંચાઈને આંબવાની ન હોય..માત્ર માણવાની હોય...દરેક સીન માં એક એવી હરકત કે જે જોઈ હસવું આવી જ જાય, પછી એ નશામાં ગાડી ચલાવતા હોય કે જેલ માં ઉભા હોય, ઓફીસમાં કંસારી સામે હોય કે દિકરાની કોલેજમાં મિત્રો વચ્ચે હોય. કમલેશ ઓઝા માટે ગર્વ એટલે થાય કે એને હું બાળપણથી ઓળખું છું. એ જે વિચારે છે, જે ધારે છે એ કરે જ છે, મોટા પડદે એને અભિનય કરતા જોઈ ખૂબ આનંદ થયો એ નખશિખ કલાકાર છે, એમાં કોઈ બે મત નથી. કમલેશ સુપર્બ, સિદ્ધાર્થ ભાઈ સામે કમલેશ પણ એટલી જ એનર્જી સાથે ફટકાબાજી કરે છે. વંદના વૈદ્ય (પાઠક) અનુભવની પાઠશાળા, એમનાં દરેક દૃશ્યમાં પિતા અને પુત્ર વચ્ચે પીસાતી મમ્મી દેખાય છે. રંગભૂમિ હોય કે મોટી સ્ક્રીન વંદનાજીની હાજરી જાજરમાન હોય છે. રિવા રાચ્છ, ભક્તિ કુબાવત સરસ, વાર્તા ને અનુરૂપ. દિલીપ રાવલ અનુભવી કવિ, લેખક, કલાકાર અહીં પોતાને મળેલી જવાબદારીમાં મસ્ત મોજ કરાવે છે, સુનીલ વિશ્રાની મોજીલા, જીતુભાઈ ઠક્કર જબરદસ્ત, હાર્દિક સાંગાણી નાનું પેકેટ મોટો ધમાકો...કોકોનટ પરિવાર નો માનીતો મિત્ર, કુલદીપ ગોર એટલે મસ્તી ધમાલ, મુનિ ભાઈ મનમોજી મસ્ત, એ સિવાય નાનકડા કિરદારમાં રવિ પરમાર મજાના, હવાલદાર જય જાડિયો એટલે જલસો, અજય પારેખ રૂઆબદાર, હરેશ પંચાલ, આવો ઇન્સ્પેકટર કોને ન ગમે. ટુંકમાં અદ્ભુત...અદ્ભુત...અદ્ભુત...
દિગ્દર્શન માં ઈશાન ભાઈ દરેક ફ્રેમ માં છવાઈ ગયા, લેખનમાં પણ એ સુપર સે ઉપર, સંવાદો મે કહ્યુ તેમ હસાવે પણ છે અને રડાવે પણ છે. અમુક દૃશ્યો માત્ર અને માત્ર મોટા પડદે જોવા એ લ્હાવો છે. ગીતો મોઢે ચઢી જાય એવા નથી પણ ફિલ્મની વાર્તા પ્રમાણે ગમી જાય એવા છે. સંગીતકાર સચિન જીગરનો પર્યાય મળવો મુશ્કેલ છે.
ટૂંકમાં બુશર્ટ ટીશર્ટ ફિલ્મ એક સંપૂર્ણ પારિવારિક, પરિવાર મિત્રો સ્નેહી સ્વજન સાથે માણવા જેવી ફિલ્મ છે.
ગુજરાતી ભાષાને પ્રેમ કરતા અને ગુજરાતી હોવાનો ગર્વ કરતા દરેક વ્યક્તિએ આ ફિલ્મ થિયેટરમાં સહ પરિવાર માણવા જેવી છે.
એક સુંદર સ્વચ્છ, સંપૂર્ણ પારિવારિક ફિલ્મ જોવાનો આનંદ શબ્દોમાં વ્યક્ત કરવાની ઈચ્છા થઈ અને આ લખ્યું.
#gujraticomedy #director #drama #writer #stageshow #success #writing #gujratitheater #coconuttheater #SiddharthRanderia #KamleshOzza #kamleshamrutlalozza
#sachinjigar #VipulMehta #IshaanRanderia
Comments
Post a Comment
hii friends if u like my post pl comment